સાહિત્ય - અનેક, સર્જક - એક

સાહિત્ય - અનેક, સર્જક - એક


બ્ર. શ્રી હરિલાલ જૈન આપણા જૈન સાહિત્યના 'કલ્પવૃક્ષ' સમાન હતા. તેઓશ્રી દ્વારા એકસો પચાસથી અધિક પુસ્તકોની રચના થઇ છે. આ રચનાઓ ખૂબજ સુંદર, સરળ, સચિત્ર અને લોકપ્રિય હોવાને કારણે તેમાંની ઘણી બધી રચનાઓ ગુજરાતી-હિન્દી તેમજ અન્ય ભાષાઓમાં પ્રગટ થયી છે. જે નીત-નવી આવૃતિઓ સાથે આપણા જ્ઞાન ભંડારને સમૃદ્ધ કરે છે.


બ્ર. શ્રી. હરિભાઈ દેશના ઉતમ કક્ષાના સિદ્ધહસ્ત લેખક હતા. તેઓ સાહિત્યના દરેક પ્રકારોમાં સિદ્ધહસ્ત સાહિત્યકાર હતા. જે તેમની વિભિન્ન રચનાઓથી ખૂબજ સ્પષ્ટ જણાય છે.


સમ્યગ્દર્શર્નાર્થીઓ માટે 'સમ્યગ્દર્શન', જે પુસ્તક વાંચીને મુનિભગવંતો આકર્ષાયા હતા. શ્રાવક માટે 'શ્રાવક-ધર્મપ્રકાશ', ચારિત્ર ધર્મોપાસના માટે 'ભગવતી આરાધના', અહિંસા પ્રેમીઓ માટે 'અહિંસા પરમો ધર્મ' (પાંચ ભાષાઓમાં અનેક આવૃતિઓ). નાટ્ય પ્રેમીઓ માટે નાટક 'અકલંક-નિક્લંક', ઉત્કૃષ્ટ ભક્તિ 'ભક્તામર સ્ત્તોત્ર વિવેચન', ઉપકાર અંજલી રૂપ 'અભિનંદન ગ્રંથ' જે સ્વ. વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીનાં હસ્તે પૂ. ગુરુદેવને અર્પણ કરવામાં આવેલ. ઉતમ પ્રવચન સંકલન 'અધ્યાત્મ સંદેશ', સુંદર અનુવાદ 'લઘુતત્વ સ્ફોટ', ઉતમ કથા વાર્તા 'દર્શન કથા' તેમજ ભાવવાહી અધ્યાત્મિક કાવ્યો અને 'સ્વાનુભૂતી પ્રકાશ' ના ૪૭ પદો (પ. પૂ. મુક્તિદર્શન વિ. મ. સા. આત્મજ્ઞાન પ્રાપ્તિની ભાવનાવાળા શ્રાવકોને આ ૪૭ પદોના દોહન કરવાની ખાસ ભલામણ કરે છે). AND ALL IN ONE 'ચોવીસ તીર્થંકરોનું મહાપુરાણ', આ ગ્રંથ સબંધી શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળના પ્રવચનિકાર લેખિકા સુનંદાબેન વોરાનું મંતવ્ય, "વર્તમાન સાહિત્યમાં વેંત ઊંચું સાહિત્ય, આવી સુંદર અને વિશાલ રચનો દ્વારા, બ્ર. શ્રી. હરિભાઈએ મોટી યુનીવર્સિટી જેવું જ્ઞાન પ્રસારનું ઉતમ કાર્ય કરેલ છે."


સાહિત્યપ્રચાર એ તેમનું સહુથી પ્રિય કાર્ય હતું. માત્ર સસ્તું સાહિત્ય નહિ પણ સસ્તું અને ઊંચું સાહિત્ય એ તેમનો મુદ્રાલેખ હતો. ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ-સ્વાધ્યાય મંદિરના પ્રચાર વિભાગના અધ્યક્ષ, તેમજ શ્રી ટોડરમલ સ્મારક ટ્ર્સ્ટ-જયપુરના સ્મરણિકાનાં મુખ્ય સંપાદક પદે રહી સાહિત્યનો બહોળો પ્રચાર કરેલ.


અધ્યાત્મિક જગતમાં ખૂબજ પ્રશંસા પામેલ માસિક આત્મધર્મ ગુજ્રરાતી-હિન્દીનું ૩૨-૩૨ વર્ષ સુધી સંપાદન કરી દેશ-વિદેશ, જૈન-જૈનેતર, બાળ-યુવાન અને પ્રૌઢ વયના ભવ્ય જીવોને અધ્યાત્મિક જ્ઞાન તરફ આકર્ષ્યા છે.


બ્ર. શ્રી. હરિભાઈશ્રી. જિનસેન અને શ્રી. ગુણભદ્ર આચાર્ય ભગવંતનું મહાપુરાણ (આદિ પુરાણ-ઉતર પુરાણ) વગેરે ભિન્ન ભિન્ન ૮૦ જેટલા પુરાણો તેમજ ષટ્ખંડાગમ-ધવલા-જયાધવલા આદિ ૬૦ જેટલા વિવિધ શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલ. સમયસાર શાસ્ત્રની સ્વાનુભુતિના લક્ષે ૧૦૦ વખત અંતરના ઊંડા મંથનપૂર્વક સ્વાધ્યાય કરતાં કરતાં ૩૫મી વખતના સ્વાધ્યાય વખતે તેમને સ્વાનુભુતિની પ્રાપ્તિ થઇ હતી. કષાય-પાહુડના પંદરમાં ભાગનો સ્વાધ્યાય પોતાના જીવનના અંતિમ દિવસે સાંજે ૪ વાગ્યે પૂર્ણ કરેલ અને સોળમાં ભાગનું પ્રકાશન નહિ થયેલ હોવાને કારણે તેઓ ઉત્સાહપૂર્વક કહેતા કે, "અરે! સ્વર્ગમાં જઇને ત્યાંથી ગણધર ભગવંત પાસે પહોંચી અન્ત:મુહુર્તમાં બારે અંગોનું શ્રવણ કરીશ". આવું સુંદર જિનવાણી મય તેમનું જીવન હતું.


તીર્થયાત્રા તેમને ખુબ જ પ્રિય હતી. ભારત વર્ષનાં તીર્થધામોની ખુબજ ઉલ્લાસ પૂર્વક યાત્રા કરી, એ તીર્થોનો મહિમા 'મંગલ તીર્થયાત્રા' ગ્રંથમાં સુંદર રીતે વર્ણવ્યો છે. એ બદલ બ્ર. શ્રી. હરિભાઈને સુવર્ણચંદ્રક અર્પણ થયેલ. તીર્થભૂમિ-કલ્યાણક્ભુમિની સ્પર્શના, દર્શન પૂજન માટેનાં તેમના ભક્તિભર્યા ઉત્સાહ પાસે, પહાડોની દુર્ગમતા-ખતરનાક રસ્તા, ભૂખ, તરસ આદિ કષ્ટો વામળા બની જતા. તેમની સર્વાંગ સુંદર અને સુવિશુધ્ધ શાસ્ત્રોક્ત યાત્રા દેખી તેમના સાથી યાત્રીઓને તેમની સાથે વારંવાર યાત્રા કરવાના ભાવ થતા.


તમારી તીર્થભક્તિ જેવી જ ગુરુભક્તિ પણ ઉત્કૃષ્ટ હતી. પૂ. ગુરુદેવ સમક્ષ દરરોજ બે કલાક સ્વાધ્યાય કરતા. હોસ્પીટલમાં જયારે જ્યારે ગુરુદેવની તબિયત વિશેષ નાજુક બનતી ત્યારે 'સમયસાર'ના શ્લોકો ગુરુદેવને સંભળાવી તેઓનું દર્દ ભુલાવી દેતા. તે જોઇ શ્રાવકો બ્ર. શ્રી. હરિભાઈને ધન્યવાદ આપતા. પૂ. ગુરુદેવના અંતિમ શ્વાસ સુધી બ્ર. શ્રી. હરિભાઈનો હાથ ગુરુદેવના હાથમાં જ હતો. આવી આદર્શ હતી તેમની ગુરુ વેયાવચ્ચ.


આ કાળમાં જેની પ્રાપ્તિને સૌથી ઉત્કૃષ્ટ કહીએ અને જેની 'શ્રી જય વીયરાય સૂત્ર' માં માંગણી કરવામાં આવે છે તે 'સમાહિમરણં ચ બોહીલાભો અ' ની આ જીવનમાં તેમણે પ્રાપ્તિ કરી. એ સમાધિ મરણ તેમના જીવન ચરિત્રનું એક સુવર્ણ-પૃષ્ઠ બને તેવું ભવ્ય હતું. જે માત્ર શુરવીર સાધકને જ પ્રાપ્ત થાય તેવું, મૃત્યુ મહા-મહોત્સવ બની ગયું.